ન મુખ છુપાકે જીયો – દરેક માતા પિતા અને તેમની દીકરીઓ પણ ખાસ વાંચે આ વાર્તા

Join Telegram Channel (20 Free Redeem Codes)
Join Now
Join Whatsapp Channel (20 Free Redeem Codes)
Join Now

શરદ ઓફિસમાં હતો ને એના મોબાઈલ ની રીંગ વાગી. એણે જોયું તો એના ફ્રેન્ડ સુહાસનો ફોન હતો.
-બોલ સુહાસ, આજે આ કામના ટાઈમે કેમ યાદ કર્યો?
-શરદ, બધા કામ છોડીને તરત આરોગ્યધામ હોસ્પિટલ આવી જા.
-શું થયું? કોઈને એક્સીડન્ટ થયો છે?
-ઇશા, ઈશાને હોસ્પીટલમાં દાખલ કરી છે.
-ઈશાને? એને શું થયું છે? શરદ નો જીવ અધ્ધર થઇ ગયો.
-ટેન્શન ન લે, શી ઈઝ ફાઈન. તું આવ એટલે બધી વાત કરું. સુહાસે ફોન કટ કર્યો.
શરદ બધા કામો પડતા મુકીને હોસ્પિટલ પહોચ્યો. સુહાસ લોબીમાં એની રાહ જોતો હતો.
-સુહાસ, પ્લીઝ કહે તો ખરો કે ઈશાને શું થયું છે?
-ઇશા મોબાઈલ પર વાત કરતી હતી, તે વખતે ઘરના દાદર પરથી પડી ગઈ. એ તો સારું થયું કે કામવાળી ચમ્પા હાજર હતી, એ અમને બોલાવવા આવી અને હું અને સુષ્મા એને અહી લઇ આવ્યા એટલે તરત સારવાર મળી ગઈ.-‘થેક્સ દોસ્ત.’ શરદે કહ્યું. સુહાસ શરદને ઈશા જે રૂમમાં હતી ત્યાં લઇ ગયો. શરદે જઈને ઇશાને માથે હાથ મુક્યો અને પછી એની પાસે બેસીને એનો હાથ પસવારવા માંડ્યો. ઈશાએ એની તરફ જોયું અને મ્લાન હાસ્ય કર્યું પછી પીડાથી ઉંહકારો કર્યો અને આંખો બંધ કરી, એની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. શરદે ઈશાના આંસુ લૂછ્યા.
-ડોક્ટર સાહેબે મળવા બોલાવ્યા છે, સુષ્માએ ધીરે રહીને શરદને કહ્યું. શરદ ઉઠ્યો એટલે સુહાસ પણ એની સાથે જવા ઉભો થયો. બંને ડોક્ટરની કેબીનમાં ગયા. શરદે ઈશાના પતિ તરીકેની પોતાની ઓળખાણ આપી અને ઇશા વિશે પૂછ્યું એટલે ડોકટરે કહ્યું,

-ઈશાને મિસકેરેજ થયું છે, અને પ્રોબ્લેમ એ છે કે એ હવે પછી એ ક્યારેય મા બની શકશે નહિ. આ સાંભળીને શરદને માથે જાણે આભ તૂટી પડ્યું, એ હતાશ થઇ ગયો, એને થયું કે પોતે આ સમાચાર ઈશાને કઈ રીતે આપશે? સાંભળીને ઇશા પર એની શું અસર થશે? ડોકટરે અને સુહાસે એને હિમ્મત આપી. શરદ રૂમમાં આવ્યો એટલે ઈશાએ માંડ ખાળી રાખેલા આંસુ ફરી વહી નીકળ્યા.
-શરદ, મારા પપ્પા…. ઇશાએ રડતા રડતા વાત કરી, હિબકાને લીધે એ વધુ બોલી ન શકી.
-શું થયું તારા પપ્પાને?
-પપ્પા ઈઝ નો મોર નાવ..
-ઓહ ગોડ ! શું થયું હતું એમને? શરદે સહાનુભૂતિથી પૂછ્યું.
-એમણે આત્મહત્યા કરી.
-વ્હોટ? ક્યારે? શાના માટે? શરદ અધીરાઈથી પૂછી બેઠો.
-શેરબજારમાં એમને ભારે ખોટ ગઈ હતી, એટલે લેણદારોથી બચવા એમણે ગઈ કાલે જ આત્મહત્યા કરી.
-તને કઈ રીતે ખબર પડી?
-મારી ખાસ ફ્રેન્ડ હેમા નો ફોન આવ્યો એટલે મને જાણ થઇ. ખરેખર તો હું એ સમાચાર સાંભળીને બેધ્યાન થઇ ગઈ અને દાદર પરથી પડી ગઈ. શરદ, મારા લીધે જ આ બધું બન્યું છે, ભગવાન મને કદી માફ નહિ કરે. ઇશા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
-ઇશા, અફસોસ ન કર. જે કઈ બનવા ધાર્યું હોય એ જ બને છે, આમાં તારો કોઈ વાંક નથી.
શરદે ભલે કહ્યું કે ‘આમાં તારો કોઈ વાંક નથી’ પણ ઇશા સારી રીતે જાણતી હતી કે આમાં એનો પોતાનો કેટલો વાંક છે. એને યાદ આવી ગયો પોતે ભાગીને લગ્ન કર્યા હતા એ દિવસ. ઇશાએ પોતે શરદના પ્રેમમાં છે એ વાત મમ્મી પપ્પાથી છુપાવી હતી, કારણકે એ જાણતી હતી કે આ લગ્નને મમ્મી પપ્પા કદી મંજુરી નહિ આપે. અને એનું કારણ પણ સ્પષ્ટ હતું, શરદ પરિણીત હતો, એટલું જ નહિ એ એક બાળકીનો પિતા પણ હતો. એ વાત જુદી હતી કે એને એની પત્ની સાથે ફાવતું નહોતું એટલે બંને જુદા રહેતા હતા, બાળકી એની પત્ની પાસે હતી. છૂટાછેડા ની અરજી કરી હતી પણ છૂટાછેડા હજી મળ્યા નહોતા.

પણ એક દિવસ ખબર નહિ ક્યાંકથી મમ્મી પપ્પાને આ વાતની ખબર પડી જ ગઈ. એમણે ઓળખીતા મારફત શરદની જાણકારી મેળવી, પછી તો ઘરમાં મહાભારત સર્જાઈ ગયું. ‘તારી અક્કલ બહેર મારી ગઈ છે કે તેં આને પસંદ કર્યો?’ ‘આના સિવાય તને બીજો કોઈ મળ્યો નહિ?’ ‘તને આવા સાથે પરણાવવા કરતા તો કુવામાં ધકેલી દેવી સારી.’ વગેરે વગેરે… પહેલા ઝઘડા, પછી ધમકી અને પછી સમજાવટ. શરુ શરૂમાં ઈશાએ બહુ દલીલો કરી, પછી એ ચુપ થઇ ગઈ. થોડા જ દિવસોમાં મમ્મી પપ્પાએ એને માટે છોકરો શોધવાનું શરુ કરી દીધું. ત્રણ ચાર છોકરાઓની માહિતી મેળવ્યા પછી એક દિવસ છોકરાની મુલાકાત પણ ગોઠવાઈ ગઈ.
અત્યાર સુધી ચુપ રહેલી ઈશાને લાગ્યું કે હવે પાણી માથાથી ઉપર જતા રહ્યા છે, કઈ કરવું જોઈએ. એણે શરદને વાત કરી, શરદે બધી વ્યવસ્થા ગોઠવી દીધી. અને જે દિવસે ઇશાની અક્ષય સાથે મુલાકાત હતી એ જ દિવસે ઇશા પોતાનો પાસપોર્ટ અને ક્રેડીટ કાર્ડ લઈને ભાગી ગઈ. એ દિવસે ઘરમાં શું થયું હશે? મમ્મી પપ્પા વચ્ચે કેવો સંવાદ થયો હશે? જે ચિત્ર ઇશાની કલ્પનામા બરાબર બેસતું હતું એ નીચે મુજબ જ ભજવાયું હતું :

-બીરેન, સાંજે ઘરે આવે ત્યારે ‘ગોકુલ ચવાણા એન્ડ સ્વીટ’ માંથી સમોસા- પાતરા અને ગુલાબજાંબુ લાવવાનું ભૂલતો નહિ. અને ૬ વાગ્યા સુધીમાં ઘરે આવી જજે. રીમાએ બીરેનની ઓફિસમાં ફોન કરીને સૂચના આપી.
-ઓકે મેડમ, આપકા હુકમ સર આંખો પર. બીરેને એની હંમેશની મજાકિયા શૈલીમાં કહ્યું અને ઉમેર્યું –
-રીમા, ઈશાને પણ ટાઈમસર ઘરે આવવાનું કહી દેજે. અને એકવાર સુરેખાબેનને ફોન કરીને જાણી લેજે કે એ લોકો અક્ષયને લઈને કેટલા વાગ્યે આવવાના છે. હું સનતભાઈને આપણું એડ્રેસ SMS કરી દઉં છું.
-જો હુકમ મેરે આકા. રીમાએ પણ વળતી રમુજ કરતા કહ્યું.
બીરેન અને રીમાની એક ની એક દીકરી ઇશા ને જોવા આજે સુરેખાબેન અને સનતભાઈ પોતાના દીકરા અક્ષય સાથે આવવાના હતા. એન્જીનીયર બનીને ઇશા બે મહિના પહેલા જ એક કંપનીમાં જોબમાં જોડાઈ હતી. જ્યારે અક્ષય ડોક્ટર હતો અને બે વર્ષથી એક હોસ્પીટલમાં પ્રેકટીસ કરતો હતો. છોકરા – છોકરીના બાયો ડેટા એક્સચેન્જ કર્યા હતા અને બંને પાર્ટીને સામી પાર્ટી પસંદ આવી હતી. એકવાર છોકરા છોકરી મળીને એકબીજાને પસંદ કરી લે એટલે વાત આગળ ચાલે એમ વિચારી આજે મુલાકાત ગોઠવી હતી.

-બધું સમું સુતરું પાર ઉતારજે મા, વાત પાકી થઇ જાય તો અંબાજી દર્શન કરવા આવીશ. મનમાં ને મનમાં માનતા માનીને રીમાએ દીકરીના ઉજ્જવળ સાંસારિક ભવિષ્ય માટે ઘરના મંદિરમાં દીવો કર્યો.
-અમારા આગ્રહથી ઇશા પરાણે છોકરો જોવા તો તૈયાર થઇ છે પણ… રીમાને અમંગળ વિચારો આવી રહ્યા હતા. એણે જાપ કર્યા, માળા કરી, મન થોડું સ્થિર થયું એટલે સુરેખાબેનને ફોન કરીને એમના આવવાનો સમય જાણી લીધો. પછી ઈશાને ફોન કરી સમયસર ઘરે આવી જવાનું કહ્યું.
-મમ્મી, હું કામમાં બીઝી છું, હું સમયસર ઘરે આવી જઈશ, પણ હવે ફોન કરી મને ડીસ્ટર્બ કરીશ નહિ. ઈશાએ કહ્યું.
-ડીસ્ટર્બ તો તેં અમને કરી નાખ્યા છે, રીમાના હોઠ સુધી શબ્દો આવી ગયા, પણ એણે સંયમ રાખીને ફક્ત ‘ઓકે’ કહ્યું.
એણે મહેમાનોની આગતા સ્વાગતાની તૈયારી અને ઘરની વ્યવસ્થા મા મન પરોવ્યું. બરાબર છ ના ટકોરે બીરેન રીમાએ મંગાવેલ ચીજ વસ્તુઓ સાથે ઘરમાં દાખલ થયો.
-ઇશા આવી ગઈ છે? એને પેકેટ્સ ડાઈનીગ ટેબલ પર મુકતા પૂછ્યું.
-ના, હજી નથી આવી.
-ઠીક છે, તું એને ફોન કરીને કન્ફર્મ કર, હું જરા ફ્રેશ થઈને આવું છું.
રીમાએ ઈશાને ફોન કર્યો તો એનો મોબાઈલ ‘સ્વીચ ઓફ’ આવતો હતો. એણે ઓફિસમાં ફોન કર્યો તો જાણવા મળ્યું કે ઇશા તો આજે ઓફીસ આવી જ નથી. રીમાને આ સાંભળીને ધ્રાસકો પડ્યો. બીરેને જ્યારે આ વાત જાણી ત્યારે એને પણ શંકા થઇ અને એના પગ તળેથી જમીન સરકી જતી લાગી.
-રીમા, જલ્દી કર. એની રૂમ તપાસીએ. એની બેગ, કબાટ, કપડાં એનું લેપટોપ..
બંને ઇશાની રૂમ તરફ દોડ્યા. જોયું તો કપડાં, લેપટોપ, બેગ બધું જ્યાં હતું ત્યાં જ વ્યવસ્થિત હતું. બંનેને હાશ થઇ અને જીવ હેઠો બેઠો. ‘ચાલો, છોકરી ઘર છોડીને તો નથી જતી રહી’ બંને ફરી ડ્રોઈંગ રૂમમાં આવીને ઇશાની આવવાની રાહ જોઈ રહ્યા.

ઘડીયાળના કાંટા ઝડપથી આગળ વધતા રહ્યા, છોકરાવાળા આવી ગયા,’ઈશાને આવતા જરા મોડું થશે’ નું બહાનું અપાઈ ગયું. આગતા સ્વાગતા માં નાસ્તો –મીઠાઈ અને છેલ્લે આઈસ્ક્રીમ પણ આવી ગયું. પણ જેની રાહ જોવાઈ રહી હતી તે ઇશા ન આવી.
-હવે અમે જઈએ. હવે તમે ઈશાને લઈને ઘરે આવજો. બહુ રાહ જોઇને અંતે છોકરાવાળા જતા રહ્યા.
બીરેન અને રીમાએ ઈશાની તમામ ફ્રેન્ડસ ના ઘરે ફોન કર્યા, સગા વહાલાઓને ત્યાં પણ ફોન કર્યા. ઇશા ક્યાંય નહોતી. બંને માથે હાથ દઈને બેસી પડ્યા, ‘નક્કી, છોકરી ભાગી જ ગઈ લાગે છે.’ રાત્રે દસ વાગ્યે કોક પબ્લિક બુથમાંથી ઇશાનો ફોન આવ્યો.
-હલ્લો, મમ્મી – પપ્પા, ઇશા બોલું છું.
-ક્યા છે તું? ક્યારના તારી રાહ જોઈ રહ્યા છે, છોકરાવાળા આવીને જતા પણ રહ્યા. રીમાએ આક્રોશથી કહ્યું.
-મમ્મી-પપ્પા, મેં લગ્ન કરી લીધા છે, તમારા આશીર્વાદ લેવા માટે ફોન કર્યો છે. ઇશાનો ધ્રુજતો અવાજ સંભળાયો.
બીરેન અને રીમા એકાદ બે સેકંડ માટે ધ્રુજી ગયા, જાણે પગ પાસે એટમબોમ્બ ફૂટ્યો.
-મમ્મી..પપ્પા..સાંભળો છો? ઇશા બોલી.
-સાભળું છું, હવે તું સાંભળ છોકરી. આજથી તું અમારા માટે મરી પરવારી છે, અને અમે પણ તારા માટે મારી ચુક્યા છે, સમજી? આજ પછી ફરી ક્યારેય ફોન કરીશ નહિ કે અમને તારું કાળું મોં બતાવીશ નહિ.
બીરેને ગુસ્સાથી કહ્યું અને પછી રીસીવર ક્રેડલ પર પછાડ્યું અને એ પોતે પણ સોફામાં પછડાઈ પડ્યો, એની છાતીમાં મુઝારો થઇ આવ્યો. રીમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને બોલી, ‘આ છોકરીને આ તે શું સુઝ્યું?’
-ઇશા, ચાલ, ડોકટરે રજા આપી દીધી છે. શરદે કહ્યું અને ઇશાની વિચારધારા તૂટી. એ ભુતકાળ માથી વર્તમાનમાં પાછી ફરી. શરદનો ટેકો લઈને ધીરે ધીરે ચાલીને ટેક્ષી સુધી પહોચીને ઘરે આવી ગઈ. શરદે એને પ્રેમથી પલંગ પર સુવડાવી અને રજાઈ ઓઢાડી.
-હવે પાંચ દિવસ કમ્પ્લીટ બેડ રેસ્ટ લેવાનો છે. સમજી?

એ મ્લાન હસી, ઈશાનું શરીર તો આરામથી બેડ પર પડ્યું હતું પણ એના મનને આરામ નહોતા. પપ્પાની આત્મહત્યા ના સમાચારે એને હચમચાવી દીધી હતી. એકલી પડી ગયેલી મમ્મી હવે શું કરશે? આટલા સમયમાં એને મમ્મી પપ્પા વિશે જે કઈ સાંભળવા મળ્યું હતું, તેના આધારે એણે આખું પિક્ચર એના મનમાં ઉપસી રહ્યું હતું.
પોતે તો મમ્મી પપ્પાનું શું થશે એ વિચાર્યા વગર પોતાની મરજી મુજબનું જીવન જીવવા શરદ સાથે ભાગી નીકળી હતી. ૨૪ વર્ષો સુધી જે ઘરમાં રહીને મોટી થઇ એને એક જ દિવસમાં – ગણતરીના કલાકોમાં જ છોડી દીધું હતું. જો કે એમ કરતા એને જે દુખ થયું તે એ પોતે જ જાણતી હતી. કેટલા લાડ કોડમાં મમ્મી પપ્પાએ એને મોટી કરી હતી, એક ની એક દીકરી હોવાને લીધે ‘પાણી માંગે તો દૂધ’ હાજર થતું. એની લગભગ દરેક માંગણી મમ્મી પપ્પાએ પૂરી કરી હતી. બસ, આ શરદ વાળી વાતથી જ એમની વચ્ચે ક્યારેય ન પુરાય એવું એક અંતર પડી ગયું.

‘જીંદગી મારી છે, તો નિર્ણય લેવાનો હક્ક પણ મારો જ હોવો જોઈએ’ એવું એ વખતે એને લાગ્યું હતું. એટલે મમ્મી પપ્પાની સામે જોરદાર દલીલો કરી હતી. થોડા દિવસ ભૂખ હડતાળ પણ કરી હતી, થોડા દિવસ અબોલા પણ લીધા, પણ આ વખતે એનું કોઈ શસ્ત્ર કામ નહિ લાગ્યું. કેમ કે મમ્મી પપ્પા માનતા હતા કે ‘શરદ ઇશા માટે યોગ્ય પાત્ર નથી. એ ઇશાથી બાર વર્ષ મોટો છે એટલું જ નહિ, એનું સૌથી મોટું ડીસ ક્વોલિફિકેશન એ છે કે એ પરણેલો છે અને એક બાળકીનો બાપ પણ છે. જો અમારી વાત નહિ માને તો દુનિયાદારીથી અજાણ અને બિન અનુભવી ઇશા આ લગ્ન કરીને જિંદગીભર પસ્તાશે, માટે એને એમ કરતા કોઈ પણ હિસાબે રોકવી જ જોઈએ.’

અને મમ્મી પપ્પાએ ઇશા માટે છોકરાઓ જોવાનું શરુ કરી દીધું. અક્ષય સાથે મુલાકાત ગોઠવાઈ અને પોતે શરદ સાથે ભાગી નીકળી. શરદને છૂટાછેડા નહોતા મળ્યા એટલે એની સાથે ‘લીવ ઇન રીલેશનશીપ’ માં રહેવા લાગી. ઈશાને આ રીલેશનશીપ નો કોઈ ફરક નહોતો પડતો, એ શરદ સાથે ખુશ હતી, પણ હા, ઈશાના મમ્મી પપ્પાએ અને એ તરફના બધા સગા વહાલાઓએ એની સાથેનો સંબંધ તોડી નાખ્યો એ એને ઘણું જ ખટક્યું હતું. ‘સંતાનો મા બાપની એસેટ્સ હોય એવું તમે લોકો કેમ માનો છો?’ એવી એની ની દલીલ ના જવાબમાં મમ્મીએ એને કહ્યું હતું, ‘એ તો જ્યારે તું મા બનશે એટલે તને બધું જ સમજાઈ જશે.’

ઈશાને અચાનક છાતીમાં ડચુરો બાઝી ગયો હોય એવી મુઝવણ થઇ આવી. પોતે ‘મા’ બનવાની હતી. એથી એની અને શરદની ખુશીનો કોઈ પાર નહોતો. શરદે છૂટાછેડા લેવા માટેના ચક્રો વધુ ગતિમાન કર્યા હતા, જેથી બાળક આવે તે પહેલા એ ઇશા સાથે લગ્ન કરીને બાળકને પિતાનું કાયદેસરનું નામ આપી શકે. એના મનમાં એક ટીસ ઊઠી. હવે પોતે કદી પણ મા નહિ બની શકે, હા, શરદે ભલે મને દુઃખ થાય એટલે મારાથી વાત છુપાવી, પણ ડોક્ટરને પૂછી લઈને એ વાત ઈશાએ જાણી લીધી હતી. ‘મમ્મી-પપ્પાના દિલને દુભવ્યાની સજા મને બરાબર મળી ગઈ છે.’ ઇશા મનમાં બોલી અને એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી નીકળ્યો.

-અરે, અરે! રડે છે કેમ? બહુ દુખે છે? ડોક્ટરને બોલાવું? એને રડતી જોઇને શરદ બેબાકળો બની ગયો.
-નહિ, શરદ. આ તનનું દુઃખ નથી, આ મનનું દુઃખ છે. આંસુ દિલમાંથી નીકળ્યા છે.
-ચાલ, બહુ વિચારવાનું બંધ કર, અને જો, આ રાબ બનાવી લાવ્યો છું તારા માટે, એ પીને દવા લઈંને સુઈ જા.
રાબ પીને પોતે આંખ મીચીને સુતી અને શરદ લેપટોપ પર એનું અધૂરું કામ લઈને બેઠો. ન ઇચ્છવા છતાં ઇશા ફરી ભૂતકાળના વિચારમાં ખોવાઈ.
એની ફ્રેન્ડ હેમાએ ઈશાને જણાવેલું: ‘એક તો પરણેલો, પાછો એક દીકરીનો બાપ, અને ઉપરથી છૂટાછેડા લીધા વગરનો – એવા માણસ સાથે ઇશા લગન કર્યા વગર રહે છે’, દુશ્મનની ગરજ સારે એવા ઇશાના જ એક સગા દ્વારા સોસાયટીમાં ફેલાયેલી એ વાતે ઈશાના મમ્મી –પપ્પાનું સોસાયટીમાં રહેવું મુશ્કેલ બનાવ્યું. ‘આવી શરમ જનક સ્થિતિમાં રહેવું એના કરતાં ઘર જ બદલી નાખવું સારું’ એમ વિચારી એમણે સરસ મજાનો બંગલો જે ભાવ મળે એ ભાવે વેચી નાખ્યો. અરે! ઘર જ નહિ એમણે તો શહેર પણ બદલી નાખ્યું, જેથી કોઈ ઓળખીતું મળે તો એનાથી મોં છુપાવવું ન પડે. કેટલા ઉત્સાહથી બનાવેલું ઘર, વર્ષોથી વસેલા એ શહેર છોડતાં એમને કેટલું દુ:ખ થયું હશે?

ઇશાએ સાંભળ્યું હતું કે મમ્મી કે પપ્પાએ હવે જ્ઞાતિના પ્રોગ્રામમાં જવાનું બિલકુલ છોડી દીધું છે. પણ ક્યારેક તો એમને કોઈ વર્ષો જુના મિત્રો ઘણા સમય બાદ મળી જતા હશે, એ બધાના છોકરા- છોકરીઓ સારે ઘરે પરણ્યાં હશે, એ વાતને ગર્વ, સંતોષ અને આનંદ પૂર્વક કહીને, ‘ઇશા શું કરે છે? મેરેજ કર્યા કે નહિ?’ એવું જ્યારે પુછતા હશે ત્યારે મમ્મી પપ્પા એમને શું જવાબ આપતા હશે? કેટલી શરમ ફિલ કરતા હશે? અને ઈશાએ શરમથી પોતાનું મોં હથેળીથી ઢાંકી દીધું.
‘ન મુખ છુપાકે જીયો, ઔર ન સર ઝુકાકે જીઓ, ગમો કા દૌર ભી આયે તો મુસ્કુરાકે જીઓ’ શરદનો ઘૂંટાયેલો ગંભીર પણ મીઠો સ્વર ગુંજી ઉઠ્યો અને ઈશાએ મોં પરથી હથેળી હઠાવી એની સામે જોયું, દુખમાં પણ એનાથી સ્માઈલ અપાઈ ગયું. ‘યે હુઈ ન બાત’ કહેતો શરદ લેપટોપ મુકીને એની પાસે આવ્યો અને પ્રેમથી એનો હાથ પસવાર્યો. ઈશાએ પણ પછી તો ‘ગીલ્ટ’ છોડીને હોંશથી જીવવાનું નક્કી કર્યું. ક્યારેક ક્યારેક હેમા દ્વારા પોતાની મમ્મીના સમાચાર મળતા. ઇશાના ભાગી ગયા પછી અને બીરેનનાં અવસાન પછી, રીમા નીરસ બનીને જીવન વિતાવી રહી હતી. અને એ માટે ઈશાને જ જવાબદાર ગણાતી હતી. એટલે ઇશા કોઈવાર મમ્મીને મળવા તડપી ઉઠતી, પણ રીમા એને મળવા બિલકુલ તૈયાર નહોતી.

એક દિવસ શરદે છૂટાછેડા મળ્યાના ખુશખબર ઈશાને આપ્યા. શરદની પત્ની કેતકીએ બીજા કોઈ શખ્સ સાથે લગ્ન કરવા હતા એટલે એણે શરદને લગ્ન બંધન માંથી મુક્ત કર્યો. શરદ અને ઈશાએ ખુબ જ સાદગીથી કોર્ટ મેરેજ કર્યા. કોર્ટ અને દુનિયાએ ભલે આજે શરદ અને ઈશાના લગ્નને સ્વીકૃતિ આપી, બાકી એ બંને તો તન, મન અને આત્માથી ક્યારના એકબીજા સાથે જોડાઈ ચુક્યા હતા. કેતકીનો પતિ શરદ-કેતકીની પુત્રી પાયલને સ્વીકારવા તૈયાર નહોતો. શરદે પાયલને ઘરે લાવવાની ઈચ્છા વ્યક્ત કરી અને ઇશાની મરજી પૂછી. ઇશા તરત જ રાજી થઇ ગઈ. આ રીતે પોતાને અચાનક માતૃત્વ પ્રાપ્ત થયેલું જાણીને ઇશા અત્યંત ખુશ થઇ, એણે હોંશે હોંશે પાયલને સ્વીકારી.

-ઇશા, રીમાઆન્ટી બાથરૂમમાં પડી ગયા છે, થાપામાં ફ્રેકચર થયું છે, હોસ્પીટલમાં દાખલ કર્યા છે. એક દિવસ હેમાનો ફોન આવ્યો અને ઇશા ચિંતાતુર બની ગઈ. હેમા પાસે હોસ્પીટલનું સરનામું લઈને એણે શરદને જણાવ્યું. શરદ તરત જ ઓફિસેથી ઘરે આવ્યો, પાયલને પાડોશીના ઘરે મુકીને બંને તરત જ હોસ્પીટલ પહોંચ્યા. ઇશા રીમાબેનની સ્થિતિ જોઈ એમને ગળે વળગીને રડી પડી. રીમાબેનની આંખમાં પણ આંસુ આવી ગયા, પણ હજી એમની નારાજી ગઈ નહોતી.
ઓપરેશન માટેની જરૂરી કાર્યવાહી કરીને, શરદે પૈસા ભર્યા અને ફોર્મમાં સહી કરી એટલે રીમાબેનને તરત જ ઓપરેશન માટે લઇ ગયા. પછી તો રાત્રે શરદે અને દિવસે ઈશાએ હોસ્પીટલમાં રોકાઈને રીમાબેનની ખુબ સેવા ચાકરી કરી. હોસ્પીટલ માંથી રજા આપી ત્યારે શરદે અને ઈશાએ એમને પોતાના ઘરે આવવા ભારપૂર્વક આગ્રહ કર્યો. રીમાબેનનું મન માનતું નહોતું, પણ જ્યારે હેમાએ પણ ‘આંટી, ગુસ્સો થુંકી નાખો અને ઈશાને માફ કરી દો, એટલીસ્ટ તમે સાજા થઇ જાવ ત્યાં સુધી ઈશાના ઘરે રહી આવો.’ કહીને સમજાવ્યા ત્યારે રીમાબેન માની ગયા.

પછી તો શરદનો સરળ સ્વભાવ, ઇશાની આત્મીયતા અને ઢીંગલી જેવી પાયલની કાલી ઘેલી બોલીએ રીમાબેનનું મન મોહી લીધું. થોડાના બદલે ઘણા દિવસ રોકાઈ ગયા. ‘દીકરીના ઘરે કેટલા દિવસ રહેવાય’ એમ કહીને એક દિવસ એમણે પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે શરદે કહ્યું, ‘મમ્મી, તમે એવું ન વિચારો કે તમે દીકરીના ઘરે છો, હું પણ તો તમારો દીકરો જ છું ને? માટે હવે આ જ તમારું ઘર’ પાયલ પણ શરદની કોપી કરતા બોલી, ‘દાદી, હું પન તમાલો દીકલો જ છું ને’ સાંભળીને સૌ હસી પડ્યા. રીમાબેને પાયલને એ રીતે ગળે લગાવી, જાણે વર્ષોથી ખોવાયેલી એમની દીકરી એમને પાછી મળી, અને પછી ઈશાને કહ્યું, ‘બેટા, દીકરીને એસેટ્સ સમજવાની ભૂલ મેં કરી હતી, પણ તું ન કરતી.’

Leave a Comment